સત્ય. સાહસ. સંકલ્પ.

દાદીના અવસાનના સમાચાર મળતાં જ અભિજીત દીપકેએ અંતિમ સંસ્કારમાં જવાની ના પાડી, દિલ્હી પોલીસે કસ્ટડીનો વીડિયો જાહેર કર્યો

દાદીના અવસાનના સમાચાર મળતાં જ અભિજીત દીપકેએ અંતિમ સંસ્કારમાં જવાની ના પાડી, દિલ્હી પોલીસે કસ્ટડીનો વીડિયો જાહેર કર્યો

દિલ્હી પોલીસે રવિવારે સાંજે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેની કસ્ટડીનો એક મિનિટ ૪૫ સેકન્ડનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં દેખાય છે કે દીપકેને જ્યારે તેમની દાદીના અવસાનની જાણ કરવામાં આવી, ત્યારે તેમણે માથું પકડી લીધું. પોલીસે તેમને પાણી આપવાની ઓફર કરી, પણ તેમણે પાણી પીધું નહીં.

વીડિયોમાં પોલીસ દીપકેને પૂછે છે કે જો તેમને દાદીના અંતિમ સંસ્કારમાં જવું હોય તો તે બસ, ટ્રેન કે ફ્લાઇટની વ્યવસસ્થા કરી શકે છે. દીપકેએ આ ઓફર પણ ઠુકરાવી દીધી અને કહ્યું કે તેઓ આ રીતે જ ઠીક છે. પોલીસે કહ્યું કે જો પરિવારના કોઈ સભ્ય સાથે વાત કરવી હોય તો પોતાના ફોન પરથી વાત કરાવી આપશે, પરંતુ દીપકેએ જવાબ આપ્યો કે તેમને નંબર યાદ નથી અને પિતાને કહી દેવામાં આવે કે આજે જ અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે.

અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને શનિવારે સવારે ફ્લાઇટમાંથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. લગભગ ૨૩ કલાક કસ્ટડીમાં રહ્યા બાદ રવિવારે સવારે ૧૦ વાગ્યે તેમને મુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ દીપકે નાગપુરમાં પોતાના ઘરે જવા રવાના થઈ ગયા.

મુક્તિ બાદ નાગપુર પહોંચીને દીપકેએ પત્રકારો સાથે વાત કરી. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસે આવીને જણાવ્યું કે તેમની દાદીનું અવસાન થઈ ગયું છે. મેં પોલીસને કહ્યું કે ગામમાં રહેતા મારા કઝિનને ફોન કરવા માટે બે મિનિટ માટે મોબાઇલ આપી દો, પરંતુ તેમણે ના પાડી દીધી. મેં ફરી વાર ફોન માંગ્યો જેથી નંબર શોધીને આપી શકું, પણ પોલીસે ફોન આપ્યો નહીં.

દીપકેએ કહ્યું કે કાયદા હેઠળ તેમને પોતાના વકીલને ફોન કરવાનો અધિકાર છે, પરંતુ દિલ્હી પોલીસે તેની મંજૂરી આપી નહીં. તેમણે કહ્યું કે મારે મારા કઝિન સાથે વાત કરવી હતી, જે મારી દાદી સાથે ગામમાં રહેતો હતો, જેથી ખબર પડે કે શું થયું અને કેવી રીતે થયું. તેમ છતાં પોલીસે ફોન આપ્યો નહીં.

તેમણે વધુમાં જણાવ્યું કે રાત્રે ૩:૩૦ વાગ્યે દિલ્હી પોલીસે આવીને કહ્યું કે હું મારા માતા-પિતાને ફોન કરીને જણાવી દઉં કે મારી ધરપકડ કરવામાં આવી છે. મારો સવાલ છે કે તેમને આ વાત રાત્રે ૩:૩૦ વાગ્યે જ જણાવવા માટે શા માટે કહેવામાં આવ્યું? દિવસ દરમિયાન મારા માતા-પિતાને શા માટે ન જણાવવામાં આવ્યું કે મારી ધરપકડ કરવામાં આવી છે અથવા હું ક્યાં છું? સવાર સુધી રાહ શા માટે ન જોવામાં આવી? પોલીસે કહ્યું કે આ કાનૂની પ્રક્રિયા છે, પરંતુ કઈ કાનૂની પ્રક્રિયા હેઠળ કોઈના માતા-પિતાને રાત્રે ૩:૩૦ વાગ્યે ફોન કરીને તેમના પુત્રની ધરપકડની જાણકારી આપવા માટે કહેવામાં આવે છે?

બીજી તરફ, કોકરોચ પાર્ટીએ રવિવારે બપોરે પ્રેસ કોન્ફરન્સ યોજી. આશુતોષ રાંકાએ આરોપ લગાવ્યો કે અભિજીત દીપકેની દાદીના નિધનના સમાચાર આપવા દરમિયાન પણ દિલ્હી પોલીસ કેમેરા અને માઇક લઈને પહોંચી ગઈ હતી. તેમણે કહ્યું કે દીપકે પોલીસને વારંવાર પોતાના કઝિન સાથે વાત કરાવવાની વિનંતી કરતા રહ્યા, પરંતુ તેમની વાત સાંભળવામાં આવી નહીં.

અભિજીત દીપકેની માતા અનિતા દીપકેએ કહ્યું કે જો અભિજીતને ગઈકાલે મુક્ત કરવામાં આવ્યો હોત, તો તે આજે પોતાની દાદીના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યો હોત. હવે તે તેમનો ચહેરો છેલ્લી વાર જોઈ પણ નહીં શકે.

દિલ્હી પોલીસે રવિવારે દીપકેની કસ્ટડીનો વીડિયો જાહેર કરીને કોકરોચ પાર્ટીના આરોપોને ખોટા ગણાવ્યા છે. બીજી તરફ કોકરોચ પાર્ટી સતત બીજા દિવસે પ્રદર્શન કરી રહી છે. મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલે વિરોધ પ્રદર્શન માટે આભાર માન્યો છે, જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું છે કે બધા સુપ્રીમ કોર્ટ ચાલો.