દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે પ્રદર્શન પહેલાં કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજિત દીપકેની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. આ દરમિયાન પોલીસે તેમને તેમના દાદીના નિધનની જાણ કરી છે. પોલીસે કહ્યું છે કે, અભિજિત પોતે નક્કી કરે કે તેઓ અટકાયતમાં રહીને વિરોધ પ્રદર્શન ચાલુ રાખવા માંગે છે કે દાદીની અંતિમ વિધિમાં હાજરી આપવા જવા માંગે છે.
અભિજિત દીપકેના દાદી સાવિત્રીબાઈ શંકરરાવ દીપકે (85 વર્ષ) નું શનિવારે સવારે 11.30 કલાકે મહારાષ્ટ્રના હિંગોળી જિલ્લાના સંતુક પિંપરી ગામે તેમના નિવાસસ્થાને લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. તેઓ છેલ્લા એક મહિનાથી અસ્વસ્થ હતા અને હિંગોળીની હૉસ્પિટલમાં દાખલ હતા. તેમના અંતિમ સંસ્કાર રવિવારે સવારે 10 વાગ્યે રાખવામાં આવ્યા છે.
CJPએ જણાવ્યું છે કે, દિલ્હી પોલીસે અભિજિત ક્યાં છે તે અંગે કોઈ માહિતી આપી નથી. પરિવારને હજુ સુધી તેમના સ્થાનની જાણ નથી. પોલીસે તાત્કાલિક પરિવારને માહિતી આપવી જોઈએ.
દીપકેના પિતરાઈ ભાઈએ જણાવ્યું કે, દિલ્હીમાં અટકાયતને કારણે પરિવાર તેમનો સંપર્ક કરી શક્યો ન હતો. તેમના માતા-પિતાને જાણ કરવામાં આવી છે અને તેઓ ગામ જવા રવાના થઈ ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અભિજિત 15 ઑગસ્ટે હિંગોળી જિલ્લામાં 'સ્કૂલ ઠીક કરો' અભિયાન શરૂ કરતી વખતે દાદીને મળ્યા હતા અને ત્યારબાદ એકવાર મળ્યા હતા. તેઓ છેલ્લા 20-25 દિવસથી દાદીને મળી શક્યા ન હતા.
શનિવારે સવારે દીપકે, CJPના સહ-સંયોજક સૌરવ દાસ અને આશુતોષ સાથે મુંબઈથી દિલ્હી પહોંચ્યા હતા. ત્રણેયને દિલ્હી પોલીસે ઍરપૉર્ટ પર વિમાનમાંથી જ અટકાયતમાં લીધા હતા. તેઓ મતદાર યાદીઓની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં કથિત ગેરરીતિઓને લઈને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે 'જંતર મંતર 2.0' વિરોધ પ્રદર્શન માટે દિલ્હી આવ્યા હતા.
દિલ્હી પોલીસે જાહેર સુરક્ષા, વાહનવ્યવહાર વ્યવસ્થાપન અને કાયદો-વ્યવસ્થાની ચિંતાઓને ટાંકીને પ્રદર્શનની પરવાનગી આપવાનો ઇન્કાર કર્યો હતો. આયોજિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાજધાનીભરમાં સુરક્ષા મજબૂત કરાઈ હતી. બીજી તરફ, CJPએ સ્પષ્ટ કર્યું છે કે તે મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ માટે પોતાનું અભિયાન ચાલુ રાખશે અને SIR પ્રક્રિયા અંગે ચૂંટણી પંચ પાસેથી જવાબદારી માંગશે.