કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દિપકે 16 ઓક્ટોબરે દિલ્હીના કનોટ પ્લેસ ખાતે સ્થિત સેન્ટ્રલ પાર્કમાં 'લહેરા દો તિરંગા' નામના દેશવ્યાપી કાર્યક્રમનું એલાન કર્યું છે. સાંજે 5 વાગ્યે યોજાનાર આ માર્ચ પાર્ટીના બે નેતાઓની ધરપકડના વિરોધમાં છે.
અભિજીત દિપકે જણાવ્યું કે આ મેળાવડો સાબિત કરશે કે રાષ્ટ્રધ્વફ લહેરાવવો કોઈ ગુનો નથી. તેમણે દેશના નાગરિકોને અપીલ કરી છે કે જેઓ દિલ્હીમાં હાજર રહી શકે નહીં, તેઓ પોતાના શહેરમાં સ્થાનિક સ્તરે તિરંગા માર્ચનું આયોજન કરે. તેમણે કહ્યું કે તેઓ પોતે પણ ધરપકડનો સામનો કરવા તૈયાર છે.
CJP ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકાને દિલ્હીની એક સ્થાનિક કોર્ટે પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. હાલમાં બંને તિહાર જેલમાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, જંતર-મંતર વિસ્તારમાં યોગ્ય પરવાનગી વગર પ્રવેશ કરવાનો આરોપ તેમના પર છે.
નોંધનીય છે કે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાને લઈને CJP સભ્યોની અટકાયત થઈ હતી, જે બાદ રાજકીય માહોલમાં તણાવ વધ્યો છે.
અભિજીત દિપકે દલીલ કરી છે કે આ કાર્યવાહી નાગરિકના રાષ્ટ્રધ્વફ પ્રદર્શિત કરવાના બંધારણીય અધિકાર પર પ્રશ્ન ઊભો કરે છે. 16 ઓક્ટોબરના કાર્યક્રમનો હેતુ સમર્થકોને એકત્ર કરવાનો અને ઝુંબેશને દિલ્હીની બહાર રાષ્ટ્રીય સ્તરે ફેલાવવાનો છે.
અંગત જીવનમાં દાદીના નિધન બાદ અભિજીત દિપક 14 ઓક્ટોબરે દિલ્હી પરત ફર્યા છે. 10 ઓક્ટોબરે દિલ્હી પોલીસની કસ્ટડી દરમિયાન તેમના દાદીનું અવસાન થયું હતું, ત્યારબાદ 11 ઓક્ટોબરે તેઓ અંતિમ સંસ્કાર માટે ગામ ગયા હતા. હવે દિલ્હી પાછા ફરીને તેમણે માર્ચની તૈયારીઓ શરૂ કરી છે.