જૂનાગઢમાં દેવ વાળી ખાતે વણિક સમાજ દ્વારા યોજાયેલા પ્રાચીન ગરબા મહોત્સવ અને 'શક્તિ સ્પંદન 2026'માં ટીવી સિરિયલ 'સીઆઈડી'માંથી પ્રખ્યાત થયેલા અભિનેતા અભય શુક્લા ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબાનો વિરોધ કર્યો હતો.
અભય શુક્લાએ જણાવ્યું કે, 'પાકિસ્તાનથી આદિલ નામના યુવકનો ફોન આવ્યો હતો. તેણે પોતાના એક મહિનાના રોઝાની પરંપરાગત ઉજવણી સાથે સરખામણી કરતાં કહ્યું કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન પાર્ટી પ્લોટોમાં અનેક ખોટા કામો થાય છે અને લોકોના દિવસો બગડે છે. આ સાંભળીને મન દ્રવી ગયું અને હું તેને કોઈ જવાબ આપી શક્યો નહીં. આ કારણોસર મેં પાર્ટી પ્લોટનો સખત વિરોધ કરીને ત્યાં ન જવાની પ્રતિજ્ઞા લીધી છે.'
તેમણે ઉમેર્યું કે પાર્ટી પ્લોટમાં અજાણ્યા લોકો વચ્ચે ઝઘડા થાય છે અને સુરક્ષાના પ્રશ્નો પણ ઊભા થાય છે. ગરબા રમવા હોય તો પરિવાર અને પોતાના લોકો સાથે રમવા જોઈએ, જેથી એકબીજાને ઓળખાય. એવી જગ્યાએ ટિકિટ કે સુરક્ષાની ચિંતા વિના સવાર સુધી નિરાંતે ગરબા રમી શકાય છે.
સંસ્કૃતિ ટકાવી રાખવા માટે તેમણે વહીવટીતંત્રને આગ્રહ કર્યો કે પાર્ટી પ્લોટના ગરબાનું નામ બદલીને માત્ર 'પાર્ટી' કરી દેવું જોઈએ. સાચી સંસ્કૃતિ જીવંત રાખવા માટે દરેક સોસાયટીના રહીશોએ સાથે મળીને પ્રાચીન ગરબાનું આયોજન કરવું જોઈએ. જૂનાગઢની પવિત્ર ધરતી પર વણિક સમાજ દ્વારા યોજાયેલા પ્રાચીન ગરબાના આયોજનને તેમણે બિરદાવ્યું હતું.
ડ્રેસિંગ સેન્સમાં ફેરફાર અને સુરક્ષા મુદ્દે માતાઓ અને બહેનોને અપીલ કરતાં અભિનેતાએ જણાવ્યું કે દીકરીઓ જ્યારે પાર્ટી પ્લોટમાં આધુનિક ડ્રેસ પહેરીને જાય છે ત્યારે તેના પર ધ્યાન આપવું જરૂરી છે. લોકો સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ વિશે પ્રશ્નો પૂછતા હોવાથી ડ્રેસિંગ સેન્સમાં યોગ્ય બદલાવ આવવો જોઈએ. પોતાની જગ્યા અને ઓળખીતા લોકો વચ્ચે ગરબા રમવાથી જ સાચો ભક્તિભાવ જળવાઈ રહે છે અને માતાજીના પવિત્ર આશીર્વાદ મળે છે.
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે લગાવેલા પ્રતિબંધોનું ઉદાહરણ આપતાં તેમણે માંગ કરી કે ગુજરાતમાં પણ પાર્ટી પ્લોટમાં ગરબા દરમિયાન પહેરાતા અયોગ્ય ડ્રેસ અને ડીજે પર કડક પ્રતિબંધ લાગવો જોઈએ, જેથી મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે. તેમણે તમામ સમાજને એક થઈને પ્રાચીન ગરબા પરંપરા જાળવી રાખવા અને સાચા ભાવથી નવરાત્રી પર્વ ઉજવવા આહ્વાન કર્યું હતું.