ફિલ્મ નિર્માતા જોડી અબ્બાસ-મસ્તાને ગાંધી જયંતીના દિવસે તેમની આગામી થ્રિલર ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નામ '3 મંકીઝ' (3 Monkeys) રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં વિશાલ જેઠવા, મુસ્તફા બર્માવાલા અને તેનજિન ડલ્હા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અર્જુન રામપાલ પણ એક મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.
ફિલ્મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર પહેલું પોસ્ટર અને મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં વિશાલ જેઠવાને 'અમર', મુસ્તફા બર્માવાલાને 'અકબર' અને તેનજિન ડલ્હાને 'એન્થની' તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મ નવા જમાનાના અમર, અકબર અને એન્થનીના પાત્રો લઈને આવી રહી છે.
ફિલ્મ નિર્માતા અલારખા વોહરા, ફારુક વોહરા અને સયીદ વોહરાએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. એ.જે. ફિલ્મ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ 4 ડિસેમ્બર 2026ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ એક હીસ્ટ-થ્રિલર છે, જેમાં અબ્બાસ-મસ્તાને 'ત્રણ વાંદરા'ની પ્રખ્યાત ફિલોસોફીને આજના યુવાનો માટે ફરી રજૂ કરી છે – 'સબ દેખો, અપની સુનો, બેખૌફ બોલો'.