શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ (WCL) 2026ની ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એબી ડિવિલિયર્સે વિસ્ફોટક બેટિંગ કરી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેનાર દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 243 રનનો લક્ષ્યાંક આપ્યો.
ડિવિલિયર્સે 39 બોલમાં 70 રન બનાવ્યા, જેમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગા સામેલ હતા. તેમની સ્ટ્રાઈક રેટ 179ની આસપાસ રહી. ઓપનર રિચાર્ડ લેવીએ 39 બોલમાં 87 રન બનાવ્યા, જેમાં 8 છગ્ગા અને 5 ચોગ્ગા હતા. તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરાયા.
દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. ફાફ ડુ પ્લેસિસ 14 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ ડિવિલિયર્સ અને લેવીએ બીજી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી. લેવીની ઇનિંગ્સમાં 223ની સ્ટ્રાઈક રેટ હતી.
વેસ્ટ ઈન્ડિઝ વતી સૌથી મોંઘો સુલેમાન બેન રહ્યો, જેણે 4 ઓવરમાં 53 રન આપ્યા. ફિડેલ એડવર્ડ્સે 4 ઓવરમાં 43 રન આપીને 1 વિકેટ લીધી. ડ્વેન બ્રાવોએ 3 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ લીધી અને ડિવિલિયર્સનો શાનદાર કેચ પકડીને તેમની ઇનિંગ્સનો અંત લાવ્યો.
લક્ષ્યાંકનો પીછો કરતાં વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સની શરૂઆત ખરાબ રહી. 52 રન પર તેમણે 3 વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન ક્રિસ ગેલે 31 બોલમાં 60 રન બનાવ્યા, જેમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગા હતા. એરોન ફંગીસોએ ગેલને LBW આઉટ કર્યો ત્યારે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 81 રન હતો.