શારજાહમાં રમાઈ રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)માં દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સના વિસ્ફોટક બેટ્સમેન એબી ડી વિલિયર્સે 42 વર્ષની ઉંમરે પણ પોતાની બેટિંગનો જલવો દાખવ્યો છે. તેમણે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ સામે માત્ર 37 બોલમાં સદી ફટકારી હતી, જેમાં 11 છગ્ગા અને 8 ચોગ્ગાનો સમાવેશ થાય છે.
આ મેચમાં દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ આપેલો 210 રનનો લક્ષ્યાંક ફક્ત 15.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ડી વિલિયર્સની તોફાની ઇનિંગે ટીમને સહેલાઈથી જીત અપાવી.
શરૂઆતમાં ડી વિલિયર્સ પ્રથમ ત્રણ બોલમાં ખાતું પણ ખોલી શક્યા ન હતા. પરંતુ સાતમા બોલ પર તેમણે પહેલો છગ્ગો ફટકાર્યો અને ત્યારબાદ બાઉન્ડ્રીનો વરસાદ કર્યો. તેમણે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર બેન લાફલિન, કેન રિચાર્ડસન અને લેગ-સ્પિનર ફવાદ અહેમદની જોરદાર ધુલાઈ કરી. ડી વિલિયર્સે 23 બોલમાં અડધી સદી પૂરી કરી અને પછીના 14 બોલમાં સદી ફટકારી. બેન હેલ્ફેનહોસના બોલ પર છગ્ગો મારીને તેમણે પોતાની સદી પૂરી કરી.
નિવૃત્તિ લીધાને ઘણો સમય થઈ ગયો હોવા છતાં, ડી વિલિયર્સની બેટિંગમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. WCLમાં તેમની છેલ્લી 7 ઇનિંગ્સની વાત કરીએ તો:
- ભારત વિરુદ્ધ: 63* (30 બોલ)
- ઇંગ્લેન્ડ વિરુદ્ધ: 116* (51 બોલ)
- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ: 123 (146 બોલ)
- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ: 6 (4 બોલ)
- પાકિસ્તાન વિરુદ્ધ: 120* (60 બોલ)
- વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ: 70 (39 બોલ)
- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ: 114* (40 બોલ)
આ પ્રદર્શન દર્શાવે છે કે 42 વર્ષની ઉંમરે પણ એબી ડી વિલિયર્સ ક્રિકેટ જગતના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંના એક છે.