સત્ય. સાહસ. સંકલ્પ.

T20માં ટ્રિપલ સેન્ચુરી: દિલ્હીના આર્યન શર્માએ 93 બોલમાં 311 રન ફટકાર્યા

T20માં ટ્રિપલ સેન્ચુરી: દિલ્હીના આર્યન શર્માએ 93 બોલમાં 311 રન ફટકાર્યા

દિલ્હીમાં રમાઈ રહેલી સ્કૂલ્સ ટોટલ T20 ટુર્નામેન્ટમાં સુમેરમલ જૈન સ્કૂલના કેપ્ટન આર્યન શર્માએ 93 બોલમાં 311 રનની અણનમ ઇનિંગ રમી છે. આ ઇનિંગમાં 30 છગ્ગા અને 27 ચોગ્ગા સામેલ હતા. તેનો સ્ટ્રાઇક રેટ 334 રહ્યો હતો. આ મેચ ઇન્દ્રપ્રસ્થ વર્લ્ડ સ્કૂલ સામે રમાઈ હતી.

આ જ ટુર્નામેન્ટમાં દિલ્હીના 17 વર્ષીય તન્મય ચૌધરીએ પણ 278 રનની ધમાકેદાર ઇનિંગ રમી છે. તેમની ઇનિંગમાં 22 ચોગ્ગા અને 27 છગ્ગા હતા. તન્મયે ક્વાર્ટર ફાઇનલમાં આ સિદ્ધિ મેળવી હતી. તેની ઇનિંગમાં સતત આઠ છગ્ગા હતા, જેમાં એક ઓવરમાં પાંચ અને બીજી ઓવરમાં ત્રણ છગ્ગા સામેલ હતા.

તન્મયના પિતા સતીશ ચૌધરીએ જણાવ્યું કે તેમનો પુત્ર છેલ્લા સાત વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છે. તેણે છઠ્ઠા ધોરણમાં બારખંબાની મોર્ડન સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો અને દેવરા સ્પોર્ટ્સની ગ્રેટન એકેડેમીમાં તાલીમ લે છે. ગયા વર્ષે તેને અંડર-19 T20 મેચમાં ધ ઇન્ડિયન સ્કૂલ સામે 74 બોલમાં 228 રન ફટકાર્યા હતા, જેમાં 23 ચોગ્ગા અને 20 છગ્ગા હતા. તે મેચમાં મોર્ડન સ્કૂલે 20 ઓવરમાં 394 રન બનાવીને 367 રનથી જીત મેળવી હતી.

આ જ ટુર્નામેન્ટમાં તન્મયે દિલ્હી વેસ્ટની શ્રી રામ ગ્લોબલ સ્કૂલ સામે 69 બોલમાં 180 રનની ઇનિંગ રમી હતી, જેનાથી મોર્ડન સ્કૂલને 227 રનથી જીત મળી હતી. સતીશ ચૌધરીએ કહ્યું કે તન્મયે સ્થાનિક ક્રિકેટમાં લગભગ 100 સદી અને 10થી 12 બેવડી સદી ફટકારી છે.