રવિવારે દિલ્હીમાં ઈન્ડિયા ગેટ વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) અને તેના વિદ્યાર્થી સંગઠન 'ASAP'ના કાર્યકરોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન કાર્યકરોએ અટકાયત કરાયેલા લોકોને લઈ જતી પોલીસ બસોને રસ્તા વચ્ચે ઘેરી લીધી અને તેમને આગળ વધતી અટકાવી. પ્રદર્શનકારીઓએ રસ્તા પર ઊતરીને જોરદાર નારેબાજી કરી.
પોલીસે અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી, જેમાં AAP નેતા સૌરભ ભારદ્વાજનો પણ સમાવેશ થાય છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ઈન્ડિયા ગેટ અને આસપાસના વિસ્તારોમાં દિલ્હી પોલીસ અને પેરામિલિટ્રી ફોર્સના જવાનોની મોટી સંખ્યામાં તૈનાતી કરવામાં આવી છે.
બીજી તરફ, જંતર-મંતર પર પણ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને પ્રદર્શન ચાલુ છે. ત્યાં પણ પોલીસે અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. AAP નેતા સૌરભ ભારદ્વાજની અટકાયત બાદ તેમણે કહ્યું કે 'પોલીસ મને એવી રીતે ઉપાડીને ફેંકી રહ્યા છે, જાણે હું કોઈ ફૂટબોલ હોઉં… અહીં આટલી મોટી પોલીસ ફોર્સ હાજર છે, છતાં તેઓ પોતાના જ ACP વિરુદ્ધ FIR સુદ્ધાં નોંધતા નથી, કે નથી ACPની અટકાયત કરતા.'