સત્ય. સાહસ. સંકલ્પ.

જામનગરમાં આપને ફટકો: ત્રણ સંગઠન મંત્રી સહિત ચાર હોદ્દેદારોના રાજીનામાં

જામનગરમાં આપને ફટકો: ત્રણ સંગઠન મંત્રી સહિત ચાર હોદ્દેદારોના રાજીનામાં

જામનગરમાં આમ આદમી પાર્ટી (આપ)ના સ્થાનિક સંગઠનમાં અસંતોષ વધ્યો છે. પ્રદેશ નેતૃત્વ દ્વારા સ્થાનિક કામગીરીમાં હસ્તક્ષેપ કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે ત્રણ સંગઠન મંત્રીઓ સહિત ચાર હોદ્દેદારોએ પક્ષના પ્રાથમિક સભ્યપદ અને તમામ જવાબદારીઓમાંથી સામૂહિક રાજીનામાં આપી દીધાં છે.

રાજીનામું આપનારા આગેવાનોમાં જામનગર દક્ષિણ (વિધાનસભા-79)ના સંગઠન મંત્રી નિલેશ ભાલારા, જામનગર ઉત્તર (વિધાનસભા-78)ના સંગઠન મંત્રી જીવરાજ ચૌહાણ, જામનગર લોકસભા સંગઠન મંત્રી દુર્ગેશ ગડલિંગ અને સ્થાનિક હોદ્દેદાર સિમરન ઇકબાલભાઈ રાવકડાનો સમાવેશ થાય છે.

રાજીનામું આપનારા હોદ્દેદારોના જણાવ્યા મુજબ, સ્થાનિક સ્તરે સ્વતંત્ર રીતે કામગીરી કરવા દેવાને બદલે પ્રદેશ કક્ષાએથી બિનજરૂરી આદેશો આપવામાં આવતા હતા. લાંબા સમયથી ચાલતી આ ખેંચતાણ અને અસંતોષના કારણે આખરે પક્ષ છોડવાનો નિર્ણય લેવો પડ્યો છે.

બીજી તરફ, રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના અન્ય 30થી વધુ સક્રિય હોદ્દેદારો અને કાર્યકરો પણ રાજીનામાં આપી શકે છે. જો આ શ્રેણીબદ્ધ રાજીનામાં પડશે તો જામનગરમાં પક્ષના માળખાને મોટો ફટકો પડી શકે તેમ છે. આ સ્થિતિ વચ્ચે પ્રદેશ નેતૃત્વ નારાજ કાર્યકરોને મનાવવા પ્રયાસ કરશે કે કેમ તે તરફ રાજકીય વર્તુળોની નજર છે.