બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને તાજેતરમાં જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી સતીશાચાર્ય મહારાજને મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. આમિરે આધ્યાત્મિક ગુરુ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
જગદગુરુ મહારાજની સોશિયલ મીડિયા ટીમે આ મુલાકાતનો વીડિયો શેર કર્યો છે, જેમાં લખ્યું છે, 'જ્યારે આધ્યાત્મ અને સિનેમા જગતની બે મુખ્ય હસ્તીઓ એકસાથે આવી.' ટીમના જણાવ્યા અનુસાર, આમિરે જગદગુરુ મહારાજના આશીર્વાદ લીધા અને તેમની સાથે વાતચીત કરી. વીડિયોમાં આમિર આછા વાદળી અને સફેદ રંગનો કુર્તો તથા કાળો પાયજામો પહેરેલા દેખાય છે. તેઓ જગદગુરુ મહારાજ પાસે જતા, હાથ મિલાવતા અને ઉષ્માપૂર્વક ગળે મળતા જોવા મળે છે. આધ્યાત્મિક ગુરુની વાતો સાંભળતી વખતે આમિર ખૂબ પ્રભાવિત દેખાયા હતા.
મુલાકાત બાદ પાપારાઝીઓમાં ઉત્સુકતા જોવા મળી હતી કે બંને મળીને કંઈક કરવાની યોજના બનાવી રહ્યા છે કે કેમ. એક પાપારાઝીએ જગદગુરુ મહારાજને પૂછ્યું, 'શું થવાનું છે? કોઈ કાર્યક્રમ છે?' આ અંગે જગદગુરુ મહારાજે કહ્યું કે તેમને ત્યાં જવું પડશે જ્યાં 'ધર્મ' તેમને બોલાવશે, કારણ કે હાલમાં ગણેશ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે.
આ પહેલી વાર નથી જ્યારે આમિર ખાન જગદગુરુ સતીશાચાર્ય મહારાજને મળ્યા છે. આ પહેલાં પણ આમિરે તેમના આશીર્વાદ લીધા હતા અને ધર્મ, ઉપનિષદ તથા આધ્યાત્મિકતા જેવા વિષયો પર તેમની સાથે વિગતવાર વાતચીત કરી હતી.
આ મુલાકાત બાદ આમિરનો 'મહાભારત' પ્રોજેક્ટ ફરી ચર્ચામાં આવ્યો છે. આમિર ખાન અનેક વખત ફિલ્મ 'મહાભારત'ને પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં જગદગુરુ સતીશાચાર્ય મહારાજ સાથેની તેમની મુલાકાત બાદ 'મહાભારત'ને લઈને ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
નોંધનીય છે કે આમિર એક દાયકાથી પણ વધુ સમયથી મહાભારત પર કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. આમિર ખાન આ મહાકાવ્યને કોઈ એક ફિલ્મમાં નહીં, પરંતુ હોલીવુડની પ્રસિદ્ધ ફિલ્મ સિરીઝ 'લોર્ડ ઓફ ધ રિંગ્સ'ની જેમ ભવ્ય ફિલ્મ સિરીઝના રૂપમાં બેક-ટુ-બેક ચેપ્ટર્સમાં બનાવવા માંગે છે.
આમિર ખાન અનેક મુલાકાતોમાં સ્વીકારી ચૂક્યા છે કે મહાભારતમાં તેમનું સૌથી પ્રિય પાત્ર ભગવાન શ્રીકૃષ્ણનું છે. વર્ષ 2024માં બીબીસી સાથેની વાતચીત દરમિયાન આમિર ખાને મહાભારતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું, 'આ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે અને મારા માટે કોઈ પડકારથી ઓછો નથી. મને ડર છે કે તેને બનાવતી વખતે મારાથી કોઈ ભૂલ ન થઈ જાય. આ એક મોટી જવાબદારી છે, કારણ કે મહાભારત આપણા માટે ખૂબ જ નજીકનું છે. તે આપણા લોહીમાં છે, તેથી હું તેને એકદમ યોગ્ય રીતે બનાવવા માગું છું.'
આમિરે કહ્યું હતું, 'હું દરેક ભારતીયને ગર્વ અનુભવડાવવા માગું છું અને સાથે જ દુનિયાને એ બતાવવા માગું છું કે ભારત પાસે શું છે. મને ખબર નથી કે આ ક્યારે બની શકશે.'