સત્ય. સાહસ. સંકલ્પ.

8મું પગાર પંચ: નીચલા સ્તરના કર્મચારીઓના પગાર બમણા થવાની ધારણા, ઉચ્ચ અધિકારીઓને રૂપિયામાં મોટો લાભ

8મું પગાર પંચ: નીચલા સ્તરના કર્મચારીઓના પગાર બમણા થવાની ધારણા, ઉચ્ચ અધિકારીઓને રૂપિયામાં મોટો લાભ

કેન્દ્ર સરકારના આશરે 48 લાખ કર્મચારીઓ અને 65 થી 69 લાખ પેન્શનરો 8મા પગાર પંચની ભલામણોની રાહ જોઈ રહ્યા છે. ગયા વર્ષે નવેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના વડપણ હેઠળ આ પંચની સત્તાવાર રચના કરવામાં આવી છે. કમિશનને સરકાર સમક્ષ અંતિમ અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે.

નવા ફિટમેન્ટ ફેક્ટર અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. નિષ્ણાતો અલગ-અલગ અંદાજ રજૂ કરી રહ્યા છે. એટલે સૌથી મોટો પ્રશ્ન એ છે કે 8મા પગાર પંચથી કયા સ્તરના કર્મચારીઓને સૌથી વધુ ફાયદો થશે.

લેવલ 1 થી 5: ટકાવારીમાં સૌથી મોટો ઉછાળો

ટકાવારીની દૃષ્ટિએ સૌથી નીચલા સ્તર, એટલે કે લેવલ 1 અને લેવલ 2ના કર્મચારીઓને સૌથી મોટી રાહત મળવાની ધારણા છે. આ સ્તરના કર્મચારીઓનો હાલનો લઘુત્તમ બેઝિક પગાર આશરે રૂ. 18,000 છે. નવા ફિટમેન્ટ ફેક્ટરના આધારે આ પગાર રૂ. 26,000 થી 34,000 સુધી પહોંચી શકે છે. એટલે કે શરૂઆતનો પગાર લગભગ બમણો થવાની શક્યતા છે. આ વર્ગને હાલ સૌથી ઓછો પગાર મળે છે, તેથી તેમના રોજિંદા ખર્ચ અને બચત પર આની સીધી અસર પડશે.

લેવલ 6 અને તેથી ઉપર: રૂપિયામાં મોટો લાભ

જો ટકાવારીને બદલે વાસ્તવિક રકમ જોવામાં આવે તો લેવલ 6, 7 અને તેનાથી ઉપરના અધિકારીઓને સૌથી મોટો નાણાકીય ફાયદો થશે. એક અંદાજ મુજબ લેવલ 6 કે 7 પર નવી ભરતી પામેલા અધિકારીનો પગાર તમામ ભથ્થાં સહિત દર મહિને રૂ. 80,000 થી 1,10,000 સુધી પહોંચી શકે છે.

સરકારી માળખામાં HRA (મકાન ભાડા ભથ્થું) અને TA (પરિવહન ભથ્થું) જેવા ભથ્થાં મૂળ બેઝિક પગારની ટકાવારી પર નક્કી થાય છે. તેથી જેનો બેઝિક પગાર ઊંચો હશે, તેના ભથ્થામાં પણ મોટો વધારો થશે. એટલે કુલ પગારમાં સૌથી મોટો રૂપિયાનો ઉછાળો ઉચ્ચ સ્તરના અધિકારીઓને મળશે.

પેન્શનરો માટે પણ મોટી રાહતની અપેક્ષા

આ પગાર પંચનો લાભ ફક્ત નોકરી કરતા કર્મચારીઓને જ નહીં, પેન્શનરોને પણ મળવાની અપેક્ષા છે. હાલ લઘુત્તમ પેન્શન રૂ. 9,000 છે, જે નવા ફિટમેન્ટ ફેક્ટરના આધારે રૂ. 22,500 થી 25,200 સુધી થઈ શકે છે.

કેટલીક પેન્શનર સંસ્થાઓએ સરકાર સમક્ષ માંગ મૂકી છે કે નિવૃત્તિ સમયે મળતા છેલ્લા પગારના 67 ટકા લઘુત્તમ પેન્શન તરીકે નક્કી કરવામાં આવે. સાથે જ 90 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ પેન્શનરોને છેલ્લા મળેલા પૂરા પગાર જેટલું પેન્શન આપવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.

એકંદરે કોને સૌથી વધુ ફાયદો?

સાદી ભાષામાં સમજીએ તો, સૌથી નીચલા સ્તરના કર્મચારીઓને ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધુ લાભ મળશે, કારણ કે તેમનો પગાર લગભગ બમણો થવાની ધારણા છે. આ તેમને મોંઘવારી સામે લડવામાં મદદ કરશે. બીજી બાજુ ઉચ્ચ સ્તરના અધિકારીઓને વાસ્તવિક રકમમાં સૌથી મોટો ફાયદો થશે, કારણ કે તેમના ઊંચા બેઝિક પગારને લીધે ભથ્થાંમાં પણ મોટો વધારો થશે.

જોકે પગાર વધારાનું અંતિમ અને સચોટ ચિત્ર જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ કમિશનનો અંતિમ અહેવાલ સરકારને સોંપાયા પછી જ સ્પષ્ટ થશે.