કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. 8મું પગાર પંચ 22 અને 23 ઓક્ટોબરે મુંબઈની મુલાકાતે આવી રહ્યું છે. આ બે દિવસ દરમિયાન પગાર વધારો, મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શન સુધારા જેવા વિષયો પર ચર્ચા થશે.
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળી આ પેનલ કર્મચારી સંગઠનો, પેન્શનર સંગઠનો અને રેલવે યુનિયનોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. તેમની માંગણીઓ સાંભળશે.
બેઠકનો મુખ્ય મુદ્દો નવો પગાર મેટ્રિક્સ, ઘર ભાડા ભથ્થું (HRA) અને મોંઘવારી ભથ્થું (DR)માં યોગ્ય ફેરફારો નક્કી કરવાનો છે. કમિશન એવો રસ્તો શોધશે જે કર્મચારીઓની આર્થિક જરૂરિયાતો પૂરી કરે અને સરકાર માટે વ્યવહારુ પણ હોય.
આ મુલાકાત ફક્ત બંધ બારણેની ચર્ચા પૂરતી સીમિત નહીં રહે. ટીમ સેન્ટ્રલ રેલવે (CR) ઝોનના વિવિધ વિભાગોની રૂબરૂ મુલાકાત લેશે અને કર્મચારીઓની કામગીરી તથા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે. ખાસ કરીને ટ્રેક મેન્ટેનર્સ રોજ કેવા પડકારો અને જોખમોનો સામનો કરે છે તેની તપાસ થશે. 24 કલાક ચાલતી સિગ્નલિંગ સિસ્ટમ અને કંટ્રોલ રૂમના કર્મચારીઓ પરના કામના દબાણને પણ કમિશન સમજવાનો પ્રયાસ કરશે.
8મા પગાર પંચની ભલામણો લાગુ થવાથી દેશના આશરે 50 લાખ સેવારત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને ફાયદો થશે. જેમાં સંરક્ષણ અને રેલવે ક્ષેત્રના લાખો કર્મચારીઓ અને નિવૃત્ત લોકો પણ સામેલ છે. કુલ 1.15 કરોડ પરિવારો પર સીધી અસર થશે.
નિયમો અનુસાર પગાર પંચે તેની રચના થયાના 18 મહિનાની અંદર અંતિમ રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપવાનો હોય છે. આમ, કમિશનનો અહેવાલ મે 2027 સુધીમાં સરકારને મળવાની અપેક્ષા છે. જોકે, અહેવાલ સોંપાયા પછી તરત જ અમલ થતો નથી. કેન્દ્રીય કેબિનેટ ઝીણવટભરી સમીક્ષા કરે છે, ત્યારબાદ મંજૂરી અને ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે. સંપૂર્ણ અમલ થવામાં સામાન્ય રીતે 2 થી 3 વર્ષ લાગે છે.