સત્ય. સાહસ. સંકલ્પ.

8મું પગાર પંચ: લેવલ-10 કર્મચારીઓને 10 વર્ષમાં 34 લાખ રૂપિયા વધારે મળવાની શક્યતા

8મું પગાર પંચ: લેવલ-10 કર્મચારીઓને 10 વર્ષમાં 34 લાખ રૂપિયા વધારે મળવાની શક્યતા

કેન્દ્ર સરકારે ગયા નવેમ્બરમાં 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. ત્યારથી કમિશન સતત બેઠકો કરી રહ્યું છે. આ બેઠકોમાં પગાર પંચ અને સરકાર સમક્ષ કર્મચારીઓની અપેક્ષાઓ અને પગાર વધારા અંગેનાં સૂચનો રજૂ થઈ રહ્યાં છે.

કર્મચારી સંગઠનોએ માંગ કરી છે કે વાર્ષિક પગાર વધારો હાલના 3% થી વધારીને 5% થી 7% કરવામાં આવે. ધ ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, જો વાર્ષિક વધારો 7% થાય તો લેવલ-10ના કર્મચારીઓને 10 વર્ષમાં આશરે 34 લાખ રૂપિયાનો વધારાનો પગાર મળી શકે છે. આ અંદાજ 2.15ના ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત છે.

કર્મચારી સંગઠનોનું કહેવું છે કે 3% વાર્ષિક વધારો ફુગાવા અને વધતા ખર્ચ સામે પૂરતો નથી. નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી, ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન અને ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઈઝેશને 6% વધારો સૂચવ્યો છે, જ્યારે ઓલ ઈન્ડિયા ન્યૂ પેન્શન સ્કીમ એમ્પ્લોઈઝ ફેડરેશન 7% વાર્ષિક વધારાની માંગ કરી રહ્યું છે.

જોકે, 8મા પગાર પંચની ભલામણો હજુ આવી નથી. અંદાજ છે કે રિપોર્ટ જૂન 2027 સુધીમાં જાહેર થઈ શકે છે. ત્યાર બાદ જ કર્મચારીઓના પગારમાં વધારો થશે. કમિશને ફિટમેન્ટ ફેક્ટર અને ભથ્થાં અંગે હજુ કોઈ જાહેરાત કરી નથી.