8મા પગાર પંચની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર અને બેઝિક પગાર ઉપરાંત હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) એટલે કે મકાન ભાડા ભથ્થું પણ ચર્ચામાં છે. શહેરોમાં વધતી મોંઘવારી અને ઊંચા ભાડાને ધ્યાનમાં રાખીને કર્મચારી સંગઠનો HRA દરમાં મોટો વધારો કરવાની માંગ કરી રહ્યા છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના પોસ્ટિંગવાળા શહેરમાં રહેવાના ખર્ચ સામે HRA આપવામાં આવે છે. જાન્યુઆરી 2024ના સુધારા મુજબ હાલ X, Y અને Z શ્રેણીના શહેરો માટે અનુક્રમે 30%, 20% અને 10% HRA ચૂકવાય છે. પરંતુ ભાડાના દરોમાં થયેલા વધારાને કારણે આ દર અપૂરતા ગણાય છે. નેશનલ કાઉન્સિલ (NC-JCM) અને ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોયીઝ ફેડરેશન (AIDEF) જેવી સંસ્થાઓએ X, Y અને Z શહેરો માટે HRA 40%, 35% અને 30% કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રેલવે સંગઠન IRTSAએ 40%, 30%, 20% અને 10%ના દર સૂચવ્યા છે.
લેવલ 1ના કર્મચારીના ઉદાહરણથી ગણિત સમજીએ. 7મા પગાર પંચ હેઠળ તેમનો પ્રારંભિક બેઝિક પગાર 18,000 રૂપિયા છે. X શ્રેણીના શહેરમાં 30% મુજબ તેમને 5,400 રૂપિયા HRA મળે છે. 8મા પગાર પંચમાં 2.1 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો નવો બેઝિક પગાર 37,800 રૂપિયા થશે. આ નવા બેઝિક પર 35% HRA મંજૂર થાય તો ભથ્થું 13,230 રૂપિયા થશે. એટલે કે માત્ર HRAમાં જ 7,830 રૂપિયાનો વધારો થશે.
લેવલ 10ના કર્મચારીઓનો હાલનો બેઝિક પગાર 56,100 રૂપિયા છે. જુદા જુદા ફિટમેન્ટ ફેક્ટર અને HRA દર મુજબ સ્થિતિ આ પ્રમાણે હોઈ શકે:
2.1 ફિટમેન્ટ ફેક્ટર: નવો બેઝિક પગાર 1,17,810 રૂપિયા. 40% HRA ગણતા દર મહિને 47,124 રૂપિયા, જ્યારે 35% HRA ગણતા 41,234 રૂપિયા મળશે.
2.28 ફિટમેન્ટ ફેક્ટર: બેઝિક પગાર 1,27,908 રૂપિયા. તેના પર 40% HRA લેખે 51,163 રૂપિયા, 35% લેખે 44,768 રૂપિયા અને 30% લેખે 38,372 રૂપિયા HRA મળી શકે છે.
2.57 ફિટમેન્ટ ફેક્ટર: સૌથી વધુ ચર્ચાતા આ ફેક્ટર મુજબ બેઝિક પગાર 1,44,177 રૂપિયા થઈ શકે છે. આ બેઝિક પર 40% HRA સ્વીકારાય તો કર્મચારીને મહિને 57,671 રૂપિયા જેટલી રકમ માત્ર HRA તરીકે મળી શકે છે.
આ તમામ આંકડાકીય ગણતરીઓ હાલ કામચલાઉ અને સંભવિત છે. એકસમાન બેઝિક પગાર ધરાવતા બે કર્મચારીઓના HRAમાં મોટો તફાવત હોઈ શકે છે, કારણ કે તે તેમના શહેરની શ્રેણી (X, Y કે Z) પર આધારિત છે. અંતિમ નિર્ણય 8મા પગાર પંચની સત્તાવાર ભલામણો અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ જ લેવાશે, પરંતુ પગાર અને HRAમાં મોટો વધારો થવાની ધારણા છે.