કેન્દ્ર સરકારે 8મા વેતન આયોગ (8th Pay Commission)ની પ્રક્રિયા ઝડપી બનાવી છે. આયોગની બેઠકો ઓક્ટોબર મહિનામાં બેંગલુરુ અને મુંબઈમાં યોજાવાની છે. આ બેઠકોમાં કર્મચારી સંઘો, પેન્શનર્સ અને અન્ય હિતધારકો સાથે ચર્ચા થશે. આયોગ પોતાનો અંતિમ રિપોર્ટ તૈયાર કરે તે પહેલાં વિવિધ પ્રવાસો દરમિયાન આ મુલાકાતો અને ચર્ચાઓ કરી રહ્યો છે.
આ આયોગની ભલામણો લાગુ થયા બાદ દેશના 1 કરોડથી વધુ લોકોને ફાયદો થવાની સંભાવના છે. આમાં આશરે 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ, સંરક્ષણ અને રેલવે કર્મચારીઓ તથા રિટાયર્ડ થયેલા આશરે 65 લાખ પેન્શનર્સનો સમાવેશ થાય છે.
આ બેઠકો દરમિયાન કર્મચારીઓ અને પેન્શનર્સ તરફથી સરકાર સમક્ષ અનેક માંગણીઓ રજૂ થઈ રહી છે. મુખ્ય માંગણીઓમાં પગારમાં મોટો વધારો, પેન્શનમાં સારો વધારો અને મોંઘવારી ભથ્થા (DA) સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે કર્મચારી અને પેન્શનભોગી સંગઠનોએ ઊંચા ફિટમેન્ટ ફેક્ટર (1.83થી લઈને 3.83 સુધી)ની માંગ કરી છે.
ફિટમેન્ટ ફેક્ટર એ મહત્વનું પરિબળ છે, જેના આધારે કર્મચારીઓની સેલરી અને પેન્શનમાં વધારો નક્કી થાય છે. ઉદાહરણ તરીકે, જો ફિટમેન્ટ ફેક્ટર 2 રાખવામાં આવે તો બેઝિક સેલરી લગભગ બમણી થઈ જાય છે. અગાઉ 7મા વેતન આયોગમાં 2.57નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું, જેના કારણે મૂળ વેતન ₹7,000થી વધીને ₹18,000 થઈ ગયું હતું.
હવે જો 8મા વેતન આયોગમાં પણ આ જ આધાર પર ફિટમેન્ટ ફેક્ટર વધારવામાં આવે, તો કર્મચારીઓના પગારમાં ઘણો વધારો થઈ શકે છે. ધારો કે સરકાર 2.57 ગણું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે છે, તો ₹18,000નું લઘુતમ બેઝિક સેલરી વધીને સીધી ₹46,260 થઈ જશે.
આ સૂત્ર મુજબ ગણતરી કરવામાં આવે તો વિવિધ લેવલના કર્મચારીઓના મૂળ વેતનમાં મોટો ઉછાળો જોવા મળશે.
લેવલ-2ના કર્મચારીઓ: બેઝિક સેલરી વધીને ₹51,143 થશે.
લેવલ-3ના કર્મચારીઓ: બેઝિક સેલરી વધીને ₹55,769 થશે.
લેવલ-4ના કર્મચારીઓ: બેઝિક સેલરી વધીને ₹65,535 થશે.
લેવલ-5ના કર્મચારીઓ: બેઝિક સેલરી વધીને ₹75,044 થશે.
લેવલ-6ના કર્મચારીઓ: બેઝિક સેલરી વધીને ₹90,978 સુધી પહોંચી જશે.
આ તમામ ચર્ચાઓ અને ભલામણોના અંતે આયોગ પોતાનો અંતિમ રિપોર્ટ તૈયાર કરીને સરકારને સુપરત કરશે. ત્યારબાદ આ નવું પગાર ધોરણ લાગુ થવાનો માર્ગ મોકળો બનશે.