સત્ય. સાહસ. સંકલ્પ.

8મું પગાર પંચ: વિલંબ થાય તો કર્મચારીઓને ₹3.32 લાખ સુધીનું નુકસાન, ગણતરી સમજો

8મું પગાર પંચ: વિલંબ થાય તો કર્મચારીઓને ₹3.32 લાખ સુધીનું નુકસાન, ગણતરી સમજો

કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે. સરકારે હજુ સુધી આ અંગે કોઈ ચોક્કસ તારીખ કે મહિનાની સત્તાવાર જાહેરાત કરી નથી. પંચની રચના અને અમલીકરણમાં વિલંબના કારણે લાખો કર્મચારીઓના મનમાં પ્રશ્નો ઊભા થયા છે. સૌથી મોટી ચિંતા એ છે કે વિલંબ વધશે તો કર્મચારીઓને મોટું આર્થિક નુકસાન થશે. નિષ્ણાતોના અંદાજ મુજબ, મોડા અમલથી લેવલ 7ના કર્મચારીઓને ₹3 લાખથી વધુનું નુકસાન થઈ શકે છે.

વિલંબથી નુકસાનનું ગણિત

સામાન્ય રીતે સરકાર 1 જાન્યુઆરી, 2026થી સુધારેલા નવા મૂળભૂત પગારનો અમલ કરે તો કર્મચારીઓને અગાઉના સમયગાળાની બાકી રકમ (એરિયર્સ) મળે છે. પંચના નિયમો મુજબ, નવા અને જૂના મૂળભૂત પગાર વચ્ચેના તફાવત પરથી એરિયર્સ ગણાય છે. પરંતુ મકાન ભાડા ભથ્થા (HRA) જેવા ભથ્થાંની બાકી રકમ અંગેની નીતિ અલગ હોઈ શકે છે. આ જ બાબત સંભવિત નુકસાનનું મોટું કારણ છે. નવો પગાર સમયસર લાગુ થાય તો કર્મચારીઓને સુધારેલા મૂળભૂત પગાર સાથે વધેલા HRAનો લાભ તરત મળે. પણ અમલીકરણમાં લાંબો સમય લાગે અને તે સમયગાળાની HRA બાકી રકમ ન ચૂકવાય તો કર્મચારીઓને લાખો રૂપિયાનું સીધું નુકસાન થાય છે.

લેવલ 7ના કર્મચારીઓને HRAમાં નુકસાન કેવી રીતે?

ઉદાહરણ તરીકે, લેવલ 7ના કર્મચારીનો વર્તમાન મૂળભૂત પગાર ₹44,900 છે. 8મું પગાર પંચ 2.1ના ફિટમેન્ટ ફેક્ટર પર લાગુ થાય તો નવો મૂળભૂત પગાર આશરે ₹94,290 થાય.

વર્તમાન ₹44,900 પગાર પર 24%ના દરે માસિક HRA ₹10,776 મળે છે. નવા ₹94,290 પગાર પર HRA આશરે ₹22,630 થાય. બંને વચ્ચેનો માસિક તફાવત ₹11,854નો છે. સરકાર સુધારેલા HRAનો લાભ પાછલી અસરથી (રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી) ન આપે તો જેટલા મહિના વિલંબ થાય તેટલા મહિના કર્મચારીઓને દર મહિને ₹11,854નું નુકસાન વેઠવું પડે.

કેટલું નુકસાન થઈ શકે?

મે 2027માં અમલ (17 મહિનાનો વિલંબ): કુલ નુકસાન આશરે ₹2,29,051.

ઓગસ્ટ 2027માં અમલ (20 મહિનાનો વિલંબ): કુલ નુકસાન આશરે ₹2,68,032.

જાન્યુઆરી 2028માં અમલ (25 મહિનાનો વિલંબ): કુલ નુકસાન આશરે ₹3,32,340.

નોંધનીય છે કે સરકારે હજુ સુધી નવા ફિટમેન્ટ ફેક્ટર અંગે કોઈ સત્તાવાર આંકડો આપ્યો નથી કે 8મા પગાર પંચના અમલીકરણની અંતિમ તારીખ નક્કી કરી નથી. પણ સમય પસાર થતાં વિલંબ સીધો કર્મચારીઓના ખિસ્સા પર બોજો નાખી રહ્યો છે.