8મા પગાર પંચની ભલામણોની કેન્દ્રીય કર્મચારીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, તેનો રિપોર્ટ આવવામાં હજુ સમય લાગશે. આવી સ્થિતિમાં કર્મચારી સંગઠનો પોતાની માગણીઓ પંચ સમક્ષ રજૂ કરી રહ્યાં છે. તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સનાં સંગઠનોએ મોંઘવારી ભથ્થા (DA)ને લગતી ત્રણ જૂની માગણીઓ ફરીથી ઉઠાવી છે.
કર્મચારી સંગઠનો ઇચ્છે છે કે DAમાં દર 3 મહિને ફેરફાર કરવામાં આવે, DA 25%થી વધુ થાય ત્યારે તેને મૂળ પગારમાં સામેલ કરવામાં આવે અને મોંઘવારી ભથ્થાને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે. આ માગણીઓ 8મા પગાર પંચ સમક્ષ રજૂ કરવામાં આવી છે. જોકે, અત્યાર સુધી સરકારે આમાંથી કોઈ પણ માગણીને મંજૂરી આપી નથી.
8મા પગાર પંચની બેઠકોનો દોર ચાલુ છે. અલગ-અલગ રાજ્યોમાં અનેક બેઠકો યોજાઈ રહી છે. છેલ્લાં કેટલાંક મહિનામાં પંચે દિલ્હી, પશ્ચિમ બંગાળ, લદ્દાખ અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બેઠકો યોજી છે. આ બેઠકો દરમિયાન કર્મચારી સંગઠનોએ મોંઘવારી ભથ્થાને લગતી ત્રણ જૂની માગણીઓ ફરીથી રજૂ કરી છે. જાણીએ આ ત્રણ માગણીઓ વિશે.
દર 6 મહિને નહીં, પરંતુ દર 3 મહિને DA વધારવાની માગ
હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં વર્ષમાં બે વખત ફેરફાર કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ફેરફાર 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી લાગુ થાય છે. મોંઘવારીના આંકડાઓના આધારે DA વધારવાનો નિર્ણય લેવામાં આવે છે. જોકે, કર્મચારી સંગઠનો ઇચ્છે છે કે મોંઘવારી ભથ્થામાં દર ત્રણ મહિને ફેરફાર કરવામાં આવે, જેથી કર્મચારીઓને મોંઘવારી પ્રમાણે રાહત મળી શકે.
DA 25% થાય ત્યારે મૂળ પગારમાં સામેલ કરવાની માગ
કર્મચારી સંગઠનોની બીજી માગ છે કે જ્યારે મોંઘવારી ભથ્થું 25%થી વધી જાય, ત્યારે તેને મૂળ પગારમાં સામેલ કરવામાં આવે. Federation of National Postal Organisations (FNPO)એ 8મા પગાર પંચને સોંપેલા પોતાના આવેદનપત્રમાં આ માગ રજૂ કરી છે.
સંગઠન ઇચ્છે છે કે DAનો દર 25%થી વધુ થાય ત્યારે તેને કર્મચારીઓના મૂળ પગારમાં અને પેન્શનર્સના મોંઘવારી રાહત ભથ્થા (DR)ને મૂળ પેન્શનમાં સામેલ કરવામાં આવે.
મોંઘવારી ભથ્થાને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગ
કર્મચારી સંગઠનોની ત્રીજી માગ છે કે મોંઘવારી ભથ્થાને આવકવેરા એટલે કે ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે. FNPOનું કહેવું છે કે કર્મચારીઓને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે DA આપવામાં આવે છે. તેથી તેના પર ટેક્સ લાગવો જોઈએ નહીં.
સંગઠને મોંઘવારી ભથ્થાની સાથે હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA) અને ટ્રાન્સપોર્ટ અલાઉન્સને પણ ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગ કરી છે.
8મા પગાર પંચનો રિપોર્ટ ક્યારે આવશે?
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 3 નવેમ્બર, 2025ના રોજ 8મા પગાર પંચની રચના કરી હતી. તેની અધ્યક્ષતા જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ કરી રહ્યાં છે. આ ત્રણ સભ્યોનું બનેલું કામચલાઉ પંચ છે. પંચે તેની રચનાની તારીખથી 18 મહિનાની અંદર પોતાનો અંતિમ રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપવાનો છે. રિપોર્ટ તૈયાર કરતાં પહેલાં પંચ કેન્દ્રીય કર્મચારીઓ, પેન્શનર્સ, કર્મચારી સંગઠનો અને અન્ય સંબંધિત પક્ષોની માગણીઓ તથા સૂચનો પર વિચાર કરશે. ત્યારબાદ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભલામણો તૈયાર કરવામાં આવશે.