કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. આ પંચ 1 જાન્યુચરી, 2026થી લાગુ થવાનું છે. હાલમાં પંચ વિવિધ શહેરોમાં કર્મચારીઓ અને પેન્શનરોના સંગઠનો સાથે બેઠકો યોજીને તેમની માંગણીઓ સાંભળી રહ્યું છે. આ દરમિયાન એ સવાલ ઉઠી રહ્યો છે કે જે કર્મચારી પગાર પંચ લાગુ થાય તે પહેલાં નિવૃત્ત થઈ જાય, તેને એરિયર્સનો લાભ મળશે કે નહીં?
ધારો કે કોઈ કર્મચારી 2027માં નિવૃત્ત થાય છે અને સરકાર પાછળથી 8મા પગાર પંચની ભલામણોને 1 જાન્યુચરી, 2026ની ભૂતકાળની તારીખથી લાગુ કરવાનો નિર્ણય કરે છે, તો તે કર્મચારીને 1 જાન્યુચરી, 2026થી નિવૃત્તિની તારીખ સુધીના સમયગાળા માટે જૂની અને સંશોધિત સેલરી વચ્ચેનો તફાવત એટલે કે એરિયર્સ મળી શકે છે. જોકે, આ સંપૂર્ણપણે સરકારના અંતિમ આદેશ અને એરિયર્સની ચુકવણી માટેની શરતો પર જ નિર્ભર રહેશે. માત્ર પ્રભાવી તારીખ નક્કી થવાથી તમામ કર્મચારીઓની પાત્રતા સ્પષ્ટ થઈ જતી નથી. 8મા પગાર પંચના નિયમો જ નક્કી કરશે કે એરિયર્સ અને પેન્શન બંને મળશે કે નહીં અને જો મળશે તો કેટલું મળશે.
રિટાયર્ડ એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન (REWA)એ સપ્ટેમ્બર 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 8મા પગાર પંચના દાયરામાં નિવૃત્ત થઈ ચૂકેલા કર્મચારીઓને પણ સામેલ કરવાની માંગ કરી છે. જો પેન્શન સંબંધિત ભલામણો લાગુ થાય છે, તો નિવૃત્ત કર્મચારીઓને વધેલું પેન્શન મળી શકે છે. એસોસિએશને પંચના ટર્મ્સ ઓફ રેફરન્સમાં ફેરફાર કરવાની માંગ કરી છે, જેથી 1 જાન્યુચરી, 2026 પહેલાં નિવૃત્ત થઈ ચૂકેલા પેન્શનભોગીઓ અને ફેમિલી પેન્શન મેળવનારાઓને પણ પેન્શન સંશોધનની પ્રક્રિયામાં સ્પષ્ટપણે સામેલ કરી શકાય. આ માંગ પાછળ પેન્શનરોની ચિંતા છે, જેમને એવી આશંકા છે કે નિવૃત્તિની તારીખના કારણે તેઓ નવા પગાર પંચના લાભથી વંચિત રહી શકે છે.
8મું પગાર પંચ હાલમાં માત્ર રિપોર્ટ તૈયાર કરવા માટે વિવિધ શહેરોમાં જુદા-જુદા સંગઠનો સાથે બેઠકો યોજી રહ્યું છે અને તેમની સમસ્યાઓ જાણી રહ્યું છે. આ માંગણીઓ અને સમસ્યાઓના આધારે જ પંચ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રિપોર્ટ તૈયાર કર્યા બાદ તેને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને કેબિનેટ દ્વારા તેના પર વિચારણા કર્યા બાદ જ તેને લાગુ કરવાની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 8મા પગાર પંચે 18 મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો હોય છે, જેમાંથી 12 મહિના વીતી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. નિષ્ણાતોનું માનવું છે કે પંચ રિપોર્ટ રજૂ કરવામાં થોડો વિલંબ કરી શકે છે.