આજના ઝડપી જીવનમાં ઓફિસમાં કામનું દબાણ સતત વધતું જાય છે. કામ પૂરું કરવા લોકો કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહે છે. પરંતુ વિરામ વિના સતત કામ કરવાથી કાર્યક્ષમતા ઘટે છે અને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યને નુકસાન થાય છે.
આ સમસ્યાના ઉકેલ માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીના માનસિક સ્વાસ્થ્ય સંશોધક ડૉ. ઓલિવિયા રેમ્સે 52/17 નિયમ સૂચવ્યો છે. આ નિયમ કોર્પોરેટ જગતમાં ઉપયોગી માનવામાં આવે છે.
શું છે 52/17 નિયમ? આ નિયમ મુજબ દિવસના કામને નાના ભાગમાં વહેંચવાના હોય છે. 52 મિનિટ સુધી એકાગ્રતાથી કામ કરવું અને પછી 17 મિનિટનો વિરામ લેવો. સતત એક કલાક કામ કરવાને બદલે 52 મિનિટ કામ અને 17 મિનિટ આરામ કરવો વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
માનસિક સ્વાસ્થ્ય પર ફાયદો: સ્ક્રીન સામે સતત બેસી રહેવાથી મગજ થાકે છે અને તણાવ વધે છે. 17 મિનિટનો વિરામ મગજને તાજું કરવામાં મદદ કરે છે. સંશોધન મુજબ સફળ લોકો આ સમયે મોબાઈલ, લેપટોપ અને સોશિયલ મીડિયાથી દૂર રહે છે. ટેકનોલોજીથી દૂર રહીને આરામ કરવાથી મન શાંત થાય છે, ચિંતા અને ચીડિયાપણું ઘટે છે.
શારીરિક ફાયદા: ખુરશીમાં કલાકો સુધી એક જ પોઝિશનમાં બેસવાથી કરોડરજ્જુ, ગરદન અને પીઠમાં દુખાવો થાય છે. સ્ક્રીન સામે જોવાથી આંખો પર તાણ પડે છે. 52/17 નિયમ અપનાવવાથી દર 52 મિનિટે ઊભા થવાની તક મળે છે. આ 17 મિનિટમાં થોડું ચાલી શકાય, હળવી કસરત કરી શકાય અથવા પાણી પી શકાય. તેનાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે, સ્નાયુઓની જડતા દૂર થાય છે અને આંખોને આરામ મળે છે.
કામની ગુણવત્તા અને ધ્યાનમાં વધારો: વિરામ પછી કામ પર પાછા ફરતી વખતે ધ્યાન વધે છે. ભૂલોની શક્યતા ઘટે છે અને કામ ટાળવાની આદત, આળસ તથા કંટાળો દૂર થાય છે.
આ નિયમ પાળવાથી ઓફિસમાં લાંબા સમય સુધી બેસવાના કારણે થતા પીઠ અને ગરદનના દુખાવાથી રાહત મળે છે. વિરામમાં ચાલવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે અને આંખોને આરામ મળતાં તમે સક્રિય અને તાજા અનુભવો છો.