સત્ય. સાહસ. સંકલ્પ.

30 દિવસ UPI બંધ કરો તો કેટલા રૂપિયા બચશે? ગણિત સમજો

30 દિવસ UPI બંધ કરો તો કેટલા રૂપિયા બચશે? ગણિત સમજો

UPI આજે આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. ફેરિયાથી લઈને મોલ સુધી, ચા-કોફી, કરિયાણું કે કેબની સવારી — દરેક નાની-મોટી ચૂકવણી આપણે મોબાઇલની એપ ખોલીને થોડી જ મિનિટોમાં કરી નાખીએ છીએ. પણ એક પ્રશ્ન થાય છે: જો 30 દિવસ સુધી UPI નો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરીને બધો ખર્ચ રોકડમાં કરીએ, તો શું થાય? શું ખરેખર પૈસા બચે છે?

રોકડમાં ખર્ચ કરતી વખતે સભાનતા વધે છે

UPI થી ચૂકવણી કરતી વખતે કેટલા રૂપિયા ખર્ચ થયા એનો અહેસાસ ઓછો થાય છે. એપ પર ટેપ કરતાં જ રકમ ચૂકવાઈ જાય છે અને નાના ખર્ચ પર ધ્યાન જતું નથી. રોકડમાં ચૂકવણી કરતી વખતે તમારે ખિસ્સામાંથી નોટ કે સિક્કા કાઢવા પડે છે. એટલે દરેક ખર્ચ પ્રત્યે તમે વધુ સભાન બનો છો અને બિનજરૂરી ખરીદી પર અંકુશ રાખવાનું વિચારો છો.

મહિને કેટલા પૈસા બચી શકે?

ધારો કે એક વ્યક્તિ UPI દ્વારા રોજ સરેરાશ ₹100 એવા ખર્ચ પાછળ વાપરે છે, જેના પર એ ખાસ ધ્યાન આપતી નથી — જેમ કે બહારની ચા કે કોફી, નાસ્તો, નાની ઓનલાઇન ખરીદી કે બીજા નાના ખર્ચ. તો 30 દિવસમાં આ રકમ ₹3,000 સુધી પહોંચે છે.

હવે જો એ જ વ્યક્તિ આખો મહિનો રોકડ વાપરે અને ખર્ચ કરતા પહેલા બજેટ નક્કી કરે, તો તેનો રોજનો બિનજરૂરી ખર્ચ ઘટીને ₹75 થઈ શકે છે. એટલે મહિનાનો ખર્ચ આશરે ₹2,250 થાય. એનો અર્થ એ થયો કે ચૂકવણીની રીતમાં માત્ર એક નાનો ફેરફાર કરવાથી ₹750 જેટલી બચત થાય છે. કેટલાક કિસ્સામાં આ બચત આનાથી વધુ પણ હોઈ શકે છે.

શું દરેક વ્યક્તિ આટલા પૈસા બચાવી શકશે?

ના, બચતની રકમ વ્યક્તિ-વ્યક્તિ અલગ હોઈ શકે છે. માત્ર UPI બંધ કરવાથી આપોઆપ બચત થાય એવી ખાતરી નથી. અસલી ફાયદો એના પર આધાર રાખે છે કે વ્યક્તિ પહેલા કેટલો ખર્ચ કરતી હતી અને રોકડ વાપરતી વખતે પોતાની ખરીદી પર કેટલો અંકુશ રાખે છે.

30 દિવસની ‘કેશ ચેલેન્જ’ કેમ અજમાવવી?

30 દિવસ ફક્ત રોકડમાં ખર્ચ કરવાનો પ્રયોગ તમને સમજવામાં મદદ કરે છે કે તમારા પૈસા ક્યાં વપરાઈ રહ્યા છે. જે રૂપિયા ખર્ચાયા એ જરૂરી હતા કે બિનજરૂરી, એ સ્પષ્ટ દેખાવા લાગે છે. ઘણી વાર ઓનલાઇન ખર્ચમાં એવા પણ નાના ખર્ચા હોય છે જે ધ્યાનમાં જ નથી આવતા.

તમે મહિનાની શરૂઆતમાં એક નિશ્ચિત રકમ પાસે રાખી શકો છો અને તેને જુદી-જુદી શ્રેણીઓ માટે ફાળવી શકો છો. મહિનાના અંતે બાકી રહેલી રકમ ગણીને તમને તમારી ખર્ચવાની આદતોની વધુ સારી સમજ મળે છે.

UPI પૂરેપૂરી બંધ કરવાની જરૂર નથી

અહીં એ સમજવું જરૂરી છે કે UPI નો ઉપયોગ પૂરેપૂરો બંધ કરવાની સલાહ અપાઈ રહી નથી. જરૂરી બિલો, ઓનલાઇન ચૂકવણી અને એવી પરિસ્થિતિઓ માટે UPI વાપરી શકાય જ, જ્યાં રોકડ વાપરવી અનુકૂળ ન હોય. મુખ્ય ઉદ્દેશ્ય UPI બંધ કરવાનો નહીં, પણ ઓનલાઇન થતા બિનજરૂરી નાના ખર્ચા પર અંકુશ મેળવવાનો છે.