સત્ય. સાહસ. સંકલ્પ.

2027 વર્લ્ડ કપ: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો માટે 1 લાખથી વધુ અરજીઓ, 3 દિવસમાં કુલ 10 લાખ અરજી

2027 વર્લ્ડ કપ: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો માટે 1 લાખથી વધુ અરજીઓ, 3 દિવસમાં કુલ 10 લાખ અરજી

2027 વન-ડે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે ટિકિટોની ભારે માંગ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) પાસે આ મેચ માટે 1 લાખથી વધુ અરજીઓ આવી ચૂકી છે. આ મુકાબલો દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્થિત વાન્ડરર્સ સ્ટેડિયમમાં યોજાશે, જ્યાં 34 હજાર દર્શકો બેસી શકે છે.

સમગ્ર ટુર્નામેન્ટ માટે અત્યાર સુધીમાં 11 લાખ અરજીઓ આવી છે, જ્યારે 3 લાખ 20 હજારથી વધુ ચાહકોએ ટિકિટ બેલેટમાં નોંધણી કરાવી છે. બેલેટમાં નોંધણી કરાવવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે.

ભારત-ઓસ્ટ્રેલિયા મેચ માટે 86 હજારથી વધુ અરજીઓ મળી છે, જ્યારે 7 નવેમ્બરના પ્રી-સીડેડ સુપર-7 મુકાબલા માટે લગભગ 78 હજાર અરજીઓ આવી છે. આ મુકાબલો ત્યારે જ ભારત (A1) અને પાકિસ્તાન (A3) વચ્ચે રમાશે જ્યારે બંને ટીમો સુપર-7માં પહોંચશે. ઉલ્લેખનીય છે કે 2023ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું.

21 નવેમ્બરે યોજાનારી ફાઇનલ માટે પણ ચાહકોમાં ભારે ઉત્સાહ છે. આ મેચ માટે અંદાજે 69 હજાર ટિકિટ અરજીઓ મળી ચૂકી છે.

2027 વન-ડે વર્લ્ડ કપની યજમાની દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા કરશે. લગભગ બે દાયકા બાદ આફ્રિકા ખંડમાં ICCની મોટી પુરુષ ક્રિકેટ ટુર્નામેન્ટની વાપસી થઈ રહી છે.

ટિકિટ બેલેટમાં એન્ટ્રી માટે કોઈ ફી નથી. નોંધણી સમયે ટિકિટ ખરીદવાની કે ચુકવણી કરવાની જરૂર રહેશે નહીં. ચાહકો પોતાની પસંદગીની ઘણી મેચો માટે અરજી કરી શકે છે. એક વ્યક્તિ દરેક મેચ માટે એક બેલેટ એન્ટ્રી કરી શકે છે, એટલે કે એક જ ચાહક ટુર્નામેન્ટની અલગ-અલગ મેચો માટે અરજી કરી શકે છે.

ટિકિટ મળવાનો નિર્ણય રેન્ડમ બેલેટથી થશે. આ પ્રક્રિયા ‘પહેલા આવો, પહેલા પામો’ના આધાર પર નથી. બેલેટ વિન્ડો દરમિયાન કોઈપણ સમયે નોંધણી કરનારા ચાહકોને સમાન તક મળશે. જો કોઈ મેચ માટે ઉપલબ્ધ ટિકિટો કરતાં વધુ અરજીઓ પ્રાપ્ત થાય, તો ટિકિટ ખરીદવાની તક રેન્ડમ બેલેટથી નક્કી કરવામાં આવશે. જેમના નામની પસંદગી થશે, તેમને ઈમેલથી ટિકિટ ખરીદવાની પ્રક્રિયાની માહિતી મોકલવામાં આવશે. સફળ અને અસફળ બંને અરજદારોને નોંધણી દરમિયાન આપેલા ઈમેલ એડ્રેસ પર પરિણામની માહિતી મળશે.

ICCએ 2027 વર્લ્ડ કપનું ફોર્મેટ બદલ્યું છે. ટુર્નામેન્ટની શરૂઆત સુપર સિરીઝથી થશે, જેમાં રેન્કિંગના આધારે 12મા, 13મા અને 14મા સ્થાને રહેલી ત્રણ ટીમો રાઉન્ડ-રોબિન રમશે. ત્રણેયમાં ટોચ પર રહેનારી ટીમ ગ્રુપ સ્ટેજમાં પહોંચશે.

ત્યારબાદ 12 ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રુપમાં 6-6 ટીમ હશે અને દરેક ટીમ પોતાના ગ્રુપની બાકીની પાંચ ટીમ સામે રમશે. આ સ્ટેજની 30 મેચ બાદ બંને ગ્રુપની ટોચની 3 ટીમ અને ચોથા સ્થાને રહેલી ટીમમાંથી વધુ સારો રેકોર્ડ ધરાવતી ટીમ સુપર-7માં પહોંચશે.

સુપર-7માં તમામ ટીમ એકબીજા સામે રમશે. ગ્રુપ સ્ટેજના પોઇન્ટ્સ અહીં ગણવામાં નહીં આવે. તેમાં 21 મેચ રમાશે અને પોઇન્ટ્સ ટેબલની ટોચની 4 ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. નંબર-1 ટીમનો મુકાબલો નંબર-4 સાથે અને નંબર-2 ટીમનો મુકાબલો નંબર-3 સાથે થશે. સેમિફાઇનલ જીતનારી ટીમ ફાઇનલ રમશે.