1960માં અમેરિકાના વૈજ્ઞાનિક મેગેઝિન 'સાયન્સ'માં યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના ત્રણ સંશોધકોએ એક આગાહી કરી હતી. તે મુજબ, 13 નવેમ્બર, 2026 સુધીમાં માનવ સભ્યતા ગંભીર સંકટમાં મુકાઈ શકે છે. આ આગાહી વધતી વસ્તી અને પૃથ્વીના મર્યાદિત સંસાધનો વિશેની વૈજ્ઞાનિક ચેતવણી હતી, ન કે કોઈ ભવિષ્યવાણી.
આ સંશોધન હેઇન્ઝ વોન ફોર્સ્ટર, પેટ્રિશિયા એમ મોરા અને લોરેન્સ ડબલ્યુ એમિઓટે તૈયાર કર્યું હતું. ત્યારે વિશ્વની વસ્તી લગભગ 3 અબજ હતી. આજે તે 8.3 અબજ થઈ ચૂકી છે. વૈજ્ઞાનિકોનું માનવું હતું કે જો વસ્તી આ જ ઝડપે વધતી રહેશે તો એક સમય એવો આવશે જ્યારે પૃથ્વીના સંસાધનો માનવીઓની જરૂરિયાતો પૂરી કરવા પૂરતા નહીં રહે.
જોકે, આજની અંદાજ મુજબ વિશ્વની વસ્તી 2080ના દાયકામાં લગભગ 10.3 અબજ સુધી પહોંચી શકે છે અને ત્યારબાદ ઘટવા લાગશે. તેથી 13 નવેમ્બર, 2026ની તારીખને દુનિયાના અંતની ચોક્કસ તારીખ માનવાને બદલે વધતી વસ્તી અને મર્યાદિત સંસાધનો અંગેની જૂની વૈજ્ઞાનિક ચેતવણી તરીકે જોવી યોગ્ય રહેશે.
આ ચર્ચા વચ્ચે હેઇન્ઝ વોન ફોર્સ્ટરનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. તેમણે દાયકાઓ પહેલાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અંગે ચેતવણી આપી હતી. 1995ના એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, કોઈ મશીન માણસો જેવું કામ કરે તેનો અર્થ એ નથી કે તે માણસોની જેમ વિચારે પણ છે. ઉદાહરણ તરીકે, જો રોબોટ બ્લોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગોઠવી દે તો તેને માનવ બુદ્ધિમત્તા માની લેવી ખોટી હોઈ શકે.
આજે જ્યારે લોકો AI ચેટબોટ્સ સાથે વાતો કરે છે અને કેટલાક લાગણીશીલ સંબંધો પણ બનાવે છે, ત્યારે વોન ફોર્સ્ટરની જૂની ચેતવણી ફરી ચર્ચામાં આવી છે. 1798માં અર્થશાસ્ત્રી થૉમસ માલ્થસે પણ વસ્તી વધારાને લઈને ચેતવણી આપી હતી, પરંતુ તે સ્વરૂપે સ્થિતિ સામે આવી નથી.