સત્ય. સાહસ. સંકલ્પ.

છત્રપતિ સંભાજીનગરમાં ₹1માં ટી-શર્ટની ઓફર પર ભીડ ઉમટી, પોલીસને કાબૂમાં લેવી પડી

છત્રપતિ સંભાજીનગરમાં ₹1માં ટી-શર્ટની ઓફર પર ભીડ ઉમટી, પોલીસને કાબૂમાં લેવી પડી

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં દિવાળીની ખરીદી માટે એક કપડાંની દુકાને માત્ર ૧ રૂપિયામાં ટી-શર્ટ આપવાની જાહેરાત કરી હતી. આ ઓફરના કારણે હજારો યુવકો દુકાન પર ઉમટી પડ્યા હતા. ભીડ એટલી બેકાબૂ થઈ ગઈ કે તેને વિખેરવા માટે પોલીસને બોલાવવી પડી હતી.

છત્રપતિ સંભાજીનગરના બજાજનગર વિસ્તારમાં આવેલી બ્રાન્ડ ટ્વેન્ટી નામની દુકાને પ્રથમ ૫૦૦ ગ્રાહકોને ૧ રૂપિયામાં ટી-શર્ટ આપવાની જાહેરાત કરી હતી. આ ઓફરની જાણ થતાં જ સેંકડો યુવકો દુકાન તરફ દોડી ગયા હતા. સવાર થતાં જ દુકાનમાં અને બહાર ભીડ વધતી ગઈ હતી.

ભીડ એટલી વધી ગઈ કે દુકાનદાર માટે તેને નિયંત્રિત કરવી મુશ્કેલ બની ગઈ. પ્રથમ બાઉન્સરોને બોલાવવામાં આવ્યા, પરંતુ ભીડ ઓછી ન થતાં આખરે પોલીસને બોલાવવી પડી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ ભીડને વિખેરી હતી.

જાહેર રસ્તા પર આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થવા છતાં દુકાનદારે ટ્રાફિક વિભાગ કે પોલીસની કોઈ પૂર્વ મંજૂરી લીધી ન હતી. કોઈ પૂર્વ સૂચના કે ભીડના યોગ્ય આયોજન વિના આવી ઓફર જાહેર કરીને જાહેર વાહનવ્યવહારને અવરોધ ઊભો કરવા બદલ દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.